હરીયાણાથી દારુનો જથ્થો ભરીને સુરત કાદોદરા ખાતે જવા માટે નીકળેલું કન્ટેનર આજે શહેર ગુના નિવારણ શાખાએ શહેર નજીક હાઈવે ઉપર ગોલ્ડન ટોલ નાકા પાસેથી ઝડપી પાડ્યું હતું. એરકન્ડિશનના પુઠાના બોક્સની આડમાં દારુનો જથ્થો લઈ જતા ડ્રાઈવરની ધરપકડ કરીને દારુ તથા કન્ટેનર મળીને કુલ રૂ.56.11 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. મૂળ રાજસ્થાન બ્યાવરના ગોપાલસીહે હરીયાણાથી દારુનો જથ્થો ભરાવી આપ્યો હતો. સુરત કડોદરા ચોકડી પહોંચ્યા પછી ગોપાલસિંહને ફોન કરવાનો હતો. ગોપાલસીંહ કહે તે વ્યક્તિને કન્ટેનર સોંપવાનુ હતું, તેવી ડ્રાઈવરે કબૂલાત કરતાં પી.સી.બી.એ ગોપાલસિંહની શોધખોળ શરુ કરી છે. હાલોલ તરફથી દારુ ભરેલું કન્ટેનર વડોદરા તરફ આવી રહ્યુ છે તેવી પી.સી.બી ને માહીતી મળી હતી. પી.આઈ. જે. જે.પટેલની ટીમે આજે સવારે ગોલ્ડન ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાનમાં એક કન્ટેનર કોર્ડન કરી લેવાયુ હતુ. એરકન્ડિશનની બોગસ બીલ્ટીઓ અને પુઠાના બોક્સની આડમાં દારુની હેરાફેરી કરવાનો પર્દાફાશ થયો હતો.